Breaking News

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા રુપી શાંતિ ની શોધ.

JD NEWS VISION….

સદગુરુ કૃપા હી કેવલમ.
હનુમાન જયંતિ
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા રુપી શાંતિ ની શોધ.

પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહીં, જો નહીં હોઈ તાત તુમ્હ પાહીં. તુલસીદાસજી એ રામચરિત માનસનાં કિષ્કિંધા કાંડમાં હનુમાન ચરિત્રને ફક્ત એક ચોપાઈમાં વર્ણવીને એ ચરિત્રની મહત્તા બતાવી છે. સીતાજીની શોધ માટે જ્યારે સમુદ્ર લાંઘવાની વાત આવી, ત્યારે જાબુવંતજી હનુમાનજીને એની શક્તિ યાદ અપાવે છે! અને હનુમાનજી પર્વતાકાર સ્વરૂપ ધારણ કરે છે! આપણાં સૌની પણ શાંતિ રુપી સીતાની શોધ જારી છે! પણ હજી મંઝિલ મળી નથી! તો આ હનુમાન જયંતિ એ જીવન શાંતિ માટે એમને આહવાન કરીએ. આ ઉપરાંત હનુમાનજીને સંકટ મોચન પણ કહ્યાં છે, તો આપણાં અસ્તિત્વ પર તોળાતું પ્રદૂષણનું અને વૈશ્વિક અશાંતિનું સંકટ દૂર કરી શકે એવાં હનુમાનજીની ચૈત્ર સુદ પૂનમનાં દિવસે જયંતી ઉજવવામાં આવે છે. અન્ય દેવ કરતાં હનુમાનજી આપણને વધુ નજીક પડે છે. હનુમાનજી એ વાનર સ્વરૂપે પ્રભુ શ્રીરામને મદદ કરી હતી! અને ડાર્વિનનાં ઉત્ક્રાંતિ વાદ મુજબ આપણે પણ પહેલાં આદિ માનવ એટલે કે વાનર હતાં! એ ઉપરાંત માનવીને શ્વાસ માટે ઓક્સિજન એટલે કે પવનની જરુર છે, અને એ રીતે હનુમાનજી માનવીય જીવનનો મુખ્ય આધાર છે,અને એટલે જ એ અન્ય દેવી દેવતાઓની જેમ માત્ર કલ્પના કે અનુમાન નથી, પરંતુ પવન પુત્ર હોવાથી પ્રત્યક્ષ દેવ તરીકે સ્વીકાર્યા છે! અથવા તો એમ કહો કે હનુમાન જ છે આપણી હયાતીનું મુખ્ય પ્રમાણ. પવન પુત્ર તરીકે જોઈએ તો હનુમાનજીનો પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે, અને સૃષ્ટિ સર્જન માટે ઉપયોગી છે. આજકાલ તો હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ઘડીકમાં ઋતુ બેઋતુ થઈ જાય છે, બાકી ચૈત્રનાં તડકા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભકારી માનવામાં આવે છે, અને આખાં વર્ષનું વિટામિન ડી સૂર્ય ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. પ્રદૂષણને કારણે વાતાવરણમાં ઓક્સિજનની કમી પણ વરતાઈ રહી છે. પ્રત્યેક જણાએ હવે પોતાનું અસ્તિત્વ બચાવવાં માટે પ્રકૃતિ સન્મુખ થઈ આ સમસ્યાનું નિવારણ કરવું પડશે!

રામાયણની કથાથી સૌ કોઈ વાકેફ છે, અને હનુમાન ચરિત્રથી પણ વાકેફ છીએ. એટલે કે ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રીરામ સીતાજીની શોધ માટે ભટકતા હતાં, ત્યારે ઋષ્યમૂક પર્વત પર હનુમાન સાથે તેમનું મિલન થયું, અને હનુમાન એટલે કે જે કેસરીનંદન, અંજની સૂત અને પવનસુતના નામે ઓળખાય છે, તેમણે ભગવાન શ્રીરામના આ ભાગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો. હનુમાનજીએ ભગવાન રામને સાથ આપીને સીતાની શોધ કરી ,લંકા પર વિજય પ્રાપ્ત કરી, સીતાજીને પાછા મેળવ્યાં. મૂળ રીતે આ કથાનક છે. પરંતુ હનુમાનજી શિવ અવતાર છે, અને રુદ્રના અગિયારમા અવતાર તરીકે તેને માનવામાં આવે છે. શંકરનાં ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ છે, અને એ રીતે હનુમાન પોતાનાં ઇષ્ટદેવની સેવા સ્વીકારે છે. તેમને માતા સીતા તરફથી અજર અમરનાં આશીર્વાદ પ્રાપ્ત થયાં છે, અને જ્યારે રામ વિદાય લઈ રહ્યાં હતાં, ત્યારે હનુમાનજીએ કહ્યું કે પૃથ્વી પર રામનામ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી પોતે પણ પૃથ્વી પર જ રહેશે, અને આમ તે આજે પણ અહીં વસે છે.

ભગવાન રામ ઈચ્છતા હતાં કે ધરતી પર ભક્તિનો મહિમા વધે અને સૌ ભક્તિ તરફ વળે, એટલે હનુમાન દ્વારા પોતાના કરતાં પણ રામનામને વધુ મહત્વ અપાયું છે. હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવાં માટે ગયાં, ત્યારે તેમણે સમુદ્ર લાઘ્યો હતો, એ વાત આપણે સૌ જાણીએ છીએ. હનુમાનજીના મનમાં અધર્મી રાવણના સકંજામાં સપડાયેલી સીતા મૈયાને છોડાવવાનો શુદ્ધ સંકલ્પ હતો, અને મુખમાં પોતાના ઈષ્ટદેવ રામનું નામ હતું. એટલે કે સત્ય અને સત્ય સાક્ષી બન્નેનું અનુગમન હતું, એટલે તેનામાં સમુદ્રને લાંઘી શકવાની શક્તિ હતી. જ્યારે ભગવાન શ્રીરામ લંકા પર વિજય પ્રાપ્ત કરવા સમુદ્ર કિનારે પહોંચ્યાં, તો તેમને સમુદ્ર પર સેતુ બાંધીને જવું પડ્યું. એટલે જ ભગવાન કરતાં ભગવાનના નામનો વધુ મહિમા ગવાયો છે, ભગવાન તત્વને પામવા માટે પણ ભગવાનના નામનો જ સહારો અતિ ઉત્તમ છે, અને એને કળિયુગમાં તો એક માત્ર સાધન બતાવાયું છે. આમ પણ રામ સુધી પહોંચવું હોય તો રામના દ્વારપાળ હનુમાન પાસે ગયા વગર ચાલતું નથી, અને હનુમંત સાધના થકી જ તેનાં હૃદયમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકી સુધી પહોંચાય છે. હનુમાન શંકર સ્વરૂપ હોવાથી તેની સાધના પણ સીધી સાદી છે, એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણે તેની પ્રતીતિ કરી શકીએ છીએ. આપણી મલિનતા ઓછી થતી જાય છે, આપણી છાતી મજબૂત થતી જાય છે, એટલે કે સાહસ વૃત્તિ વધે છે. શક્તિ વધે છે, અને સત્યનુ અનુગમન કરવાની પૂર્ણ નિષ્ઠા પ્રબળ બને છે, એટલે જ હનુમાન એ કેવળ અનુમાન નથી પરંતુ એક પ્રત્યક્ષ દેવ છે.

આજકાલ સમાજમાં અધર્મની પરાકાષ્ઠા છે,અને ધર્મને નામે પણ બોલી લાગે છે. પરંતુ દુનિયા અને સંસાર છે ત્યાં આવું બધું તો રહેવાનુ જ. આપણે સત્યને વળગી રહેવાનું, કોઈ કહે એટલે કંઈ આપણે સત્ય છોડી થોડું દેવાય ?, આપણા આત્મોદ્ધાર કે આત્મકલ્યાણનું વિચારીએ નહીં, તો પણ પૃથ્વી પર રામનામ બની રહે એ માટે હનુમાનની મંત્ર ઉપાસના કે સાધના કરવી પડે, બને તો તંત્ર સાધનામાં જવું નહીં. આમ પણ હનુમાન એ પ્રાણ સંકટ હરનારા દેવ છે, તો જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવશે, ત્યારે એ આપણને સંભાળી લેશે, એ ભરોસા સાથે આપણે હનુમંત સાધના કરવાની છે, અને હનુમંત ચરિત્રને મુખ્ય ધરી પર રાખીને હિન્દુ રાષ્ટ્રનો, શ્રીરામનો જય ઘોષ કરવાનો છે. આપણી સંસ્કૃતિ આપણને આ જ શીખવી રહી છે, એટલે કે, સત્ય માટે જાગૃત થવું, સત્ય માટે શૂરવીર બનવું, કે સાહસ કરવું, સત્ય માટે સમર્પણ કરવું, કે સહન કરવું, અને સત્ય માટે બલિદાન આપવું, અને સત્ય માટે સત્યનું જ સ્મરણ કરવું. તો રામરાજ્યની સ્થાપના માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ, અને આ રીતે રામ નામને વધુને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્યને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે  પ્રભુ શ્રીરામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી પણ દૂર રહી શકીએ,તો પરિણામ મળી શકે.

રાવણના વધ બાદ જ્યારે પ્રભુ શ્રીરામ સીતા સહિત અયોધ્યા પધાર્યા ત્યારબાદ તેમનો રાજ્યાભિષેક થયો, અને અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું જ્યાં રાયરંકનો ભેદ નહોતો, અને સૌને સમાન અધિકાર મળતાં હતાં.આવું રામરાજ્ય એ હંમેશા આપણું સ્વપ્ન રહ્યું છે, અને સંસ્કૃતિ ને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ.આ રીતે રામ નામને વધુને વધુ શક્તિશાળી બનાવતાં રહીએ. આપણે સૌ રામરાજય માટે  પ્રભુ શ્રીરામનું ચરિત્ર આત્મસાત કરવાં માટે,કે રામનામને પ્રબળ બનાવવાં હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિનાં પ્રાણ સંકટથી દૂર રહીએ, તો જ હનુમાનજીનો તથા આપણો‌ રામરાજ્યનો મનોરથ પુરો થશે. જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

About admin

Check Also

श्री रामजन्मोत्सव: मर्यादा पुरुषोत्तम….

​जेडी न्यूज विजन…. ॥ श्री रामजन्मोत्सव: मर्यादा पुरुषोत्तम ॥ ​भय भंजन, मन रंजन, छबि अति …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *